Wednesday, February 27, 2013

ચેરાપુંજીમાં તરસે ગુજરાતમાં વરસે

| સંદેશ | સંસ્કાર પૂર્તિ | લોલમ લોલ | ૨૪-૦૨-૨૦૧૩ | અધીર અમદાવાદી |
 
આ દેશમાં ઘણું થવા જેવું અને ન થવા જેવું થતું રહે છે. કેટલાય કૌભાંડો, કેટલીય અપ્રિય ઘટનાઓ અને અવનવું રોજ બનતું રહે છે. હાડકાનાં માળા જેવી પુનમ પાંડે અને દ્વિઅર્થી સંવાદોવાળી ફિલ્મ બનાવનાર એકતા કપૂર કુંભમેળામાં ડૂબકી મારે છે. ‘લુંટો ઇન્ડિયા લુંટો’ અંતર્ગત મહિનાના એક કૌભાંડનો સિલસિલો જાળવી રાખવા નવું હેલિકોપ્ટર કૌભાંડ બહાર આવે છે. પેટ્રોલના ભાવ ફરી એકવાર વધે છે. અમદાવાદ જેલમાં સુરંગકાંડ સર્જાય છે. એક બાજુ ચેરાપુંજીમાં પાણીની તંગી સર્જાય છે ને અહિં ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં વરસાદ પડે છે!

જર્નાલિઝમમાં એવું કહે છે કે કૂતરું માણસને કરડે તો એ સમાચાર ન કહેવાય પણ માણસ કૂતરાને કરડે તો એ સમાચાર બને. એમ જ વરસાદ પડવો એ મોટી ઘટના નથી, પણ ફેબ્રુઆરીમાં વરસાદ પડે તો એ ઘટના સમાચાર બની જાય છે. છાપામાં એની નોંધ લેવાય છે. અને પછી છેક અમદાવાદથી રાજકોટ ને વડોદરાથી વાપી સુધી મોબાઈલ રણકી ઊઠે છે અને બધે એક જ પ્રશ્ન પુછાય છે; ‘તમારે ત્યાં પડ્યો?’ એમાં જેને ત્યાં પડ્યો હોય એ પેલી ૧૨-૧૨-૧૨ તારીખની ઘટના જેમ અમુક તમુક વર્ષોમાં એક જ વાર બનતી હોય એમ એક ઐતિહાસિક ઘટનાના સાક્ષી હોવાનો અવિસ્મરણીય ભાવ અનુભવે છે. કવિઓ પોતાની નોટમાં વરસાદનાં માનમાં કમોસમી કવિતા લખી નાખે છે. મોબાઈલધારકો પોતાના મોબાઈલથી ફોટા પડી ફેસબુક પર અપલોડ કરે છે. એકંદરે આ બે-ચાર ટીપાં વરસાદથી લોકોને ટાઈમપાસ કરવાનો એક મોકો મળે છે જેનો લોકો ધોધમાર ઉપયોગ કરે છે. અમુક ઉત્સાહી હાસ્ય લેખકો તો એનાં પર લેખ પણ લખી નાખે છે.

અમદાવાદ સાચે જ મેગાસિટી બની ગયું છે. અહી બારેમાસ કશુંક બનતું રહે છે. એક્ઝીબીશ્ન્સ, ઈવેન્ટ્સ, કાર્નિવલ્સ, એક્સિડેન્ટ્સ, વિરોધ પ્રદર્શન, પરીસંવાદો. આ વખતે ફેબ્રુઆરીમાં વરસાદ પડ્યો એટલે અમુક અંગ્રેજી અખબારના હરખપદૂડાં પત્રકારો રસ્તા પર ભૂવા પડશે એની આશમાં જ્યાં કાયમ ભૂવા પડે છે તેવી સહજાનંદ અને મણિનગર વિસ્તારમાં આંટાફેરા કરતાં જોવા મળે છે. પણ અમદાવાદ મેગાસિટીની બીજી ઓળખ સમા ભૂવાઓ હવે બારેમાસ પડે છે, એ ચોમાસાના મોહતાજ નથી રહ્યા. એટલે પત્રકારોને એજ જુનાં ભૂવાઓ પર સ્લો-મોશનમાં ચાલતી ગોકળગાયની ગતિએ થતું કામ જ જોવાં મળે છે. છેવટે ભૂવાની આડશે ઊભા થયેલા ગલ્લામાંથી સિગારેટ સળગાવી નવી સ્ટોરીની તલાશમાં એ હ.પ. પત્રકારો બીજે જવા નીકળી પડે છે.

પણ વરસાદ પડે એટલે નવા પ્રેમીઓ, ખાસ કરીને ૧૪મી ફેબ્રુઆરીએ જેમની અરજી સ્પેશિયલ કેસમાં મંજૂર થઈ છે એવા, ચોમાસામાં જેમ દેડકાં ઉત્સાહમાં આવે એમ ઉત્સાહમાં આવી જાય છે. ‘સો રોમેન્ટિક’, ‘કુલ’, ‘અહા, અહિં તો કાશ્મીર જેવું લાગે છે’. એવા ઉદગારો કાઢવા લાગે છે. પછી ભલે એની સાત પેઢીમાં કોઈ કાશ્મીર ગયું ન હોય. અને વરસાદ પડે એટલે વાતાવરણ થોડું કૂલ થાય એમાં ‘કૂલ’ કૂલ’ કરીને દેકારો મચાવી મુકવાની કોઈ જરૂર ખરી? આપણને કહેવાનું મન થાય કે ‘ભાઈ છાનો મર’. પણ એ છાનો મરે તો ને? એ તો માત્ર સાડા ત્રેવીસ કલાક જૂની ગર્લફ્રેન્ડ સાથે રેસ્ટોરાંના એક જ સોફા ઉપર બેસીને ફેસબુક પર કોફીના ફોટા અપલોડ કરવા મંડે! હાસ્તો, કોફીના જ કરે ને, છોકરી ફોટા અપલોડ કરવા જેવી હોવી પણ જોઈએને? પણ આમાં બન્ને પક્ષે મજબુરી હોય એટલે એક જણ કોફીના તો બીજું હોટલના ઇન્ટીરીયરના ફોટા મૂકી પોતાની ફેસબુક પ્રત્યેની ફરજ પૂરી કર્યાનો સંતોષ માણે છે.

આ કમોસમી વરસાદથી નુકસાન થાય છે. છાપાઓમાં બીજે દિવસે જીરું, કેરી અને કેટલાય પાકને નુકસાન અને રેલ્વે યાર્ડમાં ઘઉં પલળી ગયાના સમાચાર અચૂક જોવાં મળે છે. આ સમાચાર વાંચી કોઈ વઘારમાં જીરું નાખવાનું બંધ નથી કરતું પણ માનસિક રીતે અગામી સિઝનમાં ભાવવધારા માટે તૈયાર થઈ જાય છે. પણ હે વત્સ, વરસાદ પડે કે ન પડે, ભાવ તો વધવાના જ છે. હા, આ વખતનું બજેટ ઇલેક્શન બજેટ છે એટલે જે રાહત મળી એ મેળવી લે!

ડ-બકા
પેટ્રોલ પંપ નામની જે જગા હતી ભેંકાર થઈ ગઈ બકા,
સરકાર તો હતી , હવે કાર પણ બેકાર થઈ ગઈ બકા.


 

1 comment:

  1. Amuk Hasya lekhako lekh lakhi nakhe !!!!!! lakhi nakhyo bka em kevaay ne!!!

    ReplyDelete