Sunday, March 22, 2015

પ્રોબ્લેમ સૌને હોય છે

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૨૨-૦૩-૨૦૧૫ | અધીર અમદાવાદી | 


ગુજરાતી પ્રોબ્લેમને પોબ્લેમ કહે છે. પોબ્લેમ દરેકની લાઈફમાં હોય છે. કોઈનાં પોબ્લેમ નાના હોય છે કોઈનાં મોટા. ઘણાને નાના પોબ્લેમ મોટા લાગે છે. ફોડલી થઇ હોય એમાં સીક્લીવ લે એવા. ઘણાંને મોટા પોબ્લેમ નાના લાગે છે. બેંકમાં બેલેન્સ ન હોય ને બિન્દાસ્ત ચેક ફાડતાં હોય. બધો દ્રષ્ટિનો આધાર છે. ઘણીવાર મોટા પોબ્લેમના સોલ્યુશન સાવ સરળ હોય છે, અને ઘણીવાર સાવ નાના પોબ્લેમનાં સોલ્યુશન હોતા જ નથી.  

પ્રોબ્લેમ કે સમસ્યા સૌને હોય છે. કુંવારાનેય હોય છે ને પરણેલાનેય હોય છે. બેકારને હોય છે અને નોકરી કરનારને પણ હોય છે. અમીરને હોય છે ને ગરીબને હોય છે. બે જણને એકબીજાથી વિપરીત સમસ્યા પણ હોઈ શકે છે. ભૂખમરો એ પણ સમસ્યા છે અને ઓબેસિટી પણ. અનિદ્રા અને અતિનીદ્ન્રા બેઉ સમસ્યા છે. પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપમાં મેચ જીતે છે અને ક્વાર્ટર ફાઈનલમાં પહોંચે છે, પણ એના કેપ્ટનને ઈન્ટરવ્યુમાં અંગ્રેજીમાં વાત કરવાનો પ્રોબ્લેમ છે. સામે જે સૌથી સારું અંગ્રેજી બોલે છે એ ઇંગ્લેન્ડની ટીમ ક્વોલીફાય જ નથી થતી ! દિલ્હીના ચીફ મીનીસ્ટર બનેલા અરવિંદ કેજરીવાલને ખાંસીની સમસ્યા છે, એટલે દિલ્હીની ગાદી છોડી આશ્રમમાં જઈને સારવાર લે છે. સલમાન ખાન કોર્ટ કેસને કારણે પરણી નથી શકતો. શાહરૂખ ખાનના કરોડોના બંગલામાં પાર્કિંગની પુરતી જગ્યા નથી એટલે એની વાન બહાર રસ્તા ઉપર મુકવી પડે છે અને વાન માટે કરેલું ગેરકાયદેસર બાંધકામ તોડી મનપા એને પાછું તોડફોડનું બીલ મોકલે છે. બોલીવુડના કહેવાતાં બાદશાહ ને !  

મેનેજમેન્ટમાં એવું કહેવાય છે કે દરેક સમસ્યામાં તક છુપાઈ છે. તમને નોકરીમાંથી કાઢી મુકે તો બની શકે કે તમે નવી નોકરી શોધો જે પહેલા કરતા બહેતર હોય. સાસુ ઘેર રહેવા આવે ને મહિનો છોકરાં સચવાઈ જાય. પત્ની ગુસ્સામાં ખાવાનું ન બનાવે એમાં તમને પીઝા-યોગ થાય. આથીય ઉંચો યોગ રિસાઈને પત્ની પિયર જતી રહેવાથી ઉભો થાય છે. હિલસ્ટેશન પર ફરવા ગયા હોય અને તમારી પત્નીનું ચંપલ તૂટી જાય તો એનું સોલ્યુશન જડે ત્યાં સુધી ચંપલ હાથમાં પકડીને જ ફરવું પડે. જોકે આમ થવાથી શોપીંગનો ખર્ચો બચી જાય છે. જોકે બધી સમસ્યાઓમાં તક હોય એવું જરૂરી નથી. સતર્ક ન રહેવાથી બાવીસ વર્ષની ગર્લફ્રેન્ડ પ્રેગ્નન્ટ બને તો એમાં કોઈ તક નથી, માત્ર પોબ્લેમ જ છે!

એકનો પ્રોબ્લેમ એ બીજા માટે તક હોઈ શકે. જેમ કે અગાઉ કીધું
આઉટ ઓફ ધ બોક્સ થીંકીંગ !
એમ ગર્લફ્રેન્ડ પ્રેગનેન્ટ બને એ બેઉ જણા માટે પ્રોબ્લેમ છે, પણ ગાયનેકોલોજીસ્ટ માટે તક ઉભી કરે છે. ડબલ સીઝન સામાન્ય રીતે રોગચાળો ફેલાવે છે, પણ ડોકટરો માટે તે કમાણીની સીઝન છે. તમે બસ ચુકી જાવ એ રિક્ષાવાળા માટે ફાયદો કરે છે, એટલે જ બસ-સ્ટેન્ડ પાસે રાહ જોતા રિક્ષાવાળા ભગવાનને પ્રાર્થના કરતા જોવા મળે છે કે ‘હે ભગવાન, બસ ભરેલી આવે અને ઉભી ન રહે !’ ચોમાસામાં ખખડધ્જ્જ રોડ પર વાહન ચલાવવાથી પંચર પડે એટલે સૌ કોઈ હેરાન થાય છે, પણ પંચરવાળા અન્ના ચોમાસાની ચાતકની જેમ રાહ જુવે છે.   

એક સ્વામીજી કહે છે કે ઘણીવાર એક સમસ્યાનાં અનેક ઉકેલ હોય છે, તો ક્યારેક અનેક સમસ્યાનો એક ઉકેલ હોય છે. અમને સ્વામીજીની વાત સાચી લાગી. જેમ કે પરીક્ષામાં ફેઈલ થવાની સમસ્યાના અનેક ઉકેલ છે, જેમાં ટ્યુશન રાખવા અને ચોટી બાંધીને મહેનત કરવાથી માંડીને ચોરી કરવી, એક્ઝામિનર શોધી માર્ક્સ મુકાવા જેવા સોલ્યુશન આવી જાય. જયારે તમારી ઘણીબધી સમસ્યાનો ઉપાય એક જ હોય એવું પણ બને, જેમ કે તમારી પાસે રૂપિયા હોય તો તમારી ગર્લફ્રેન્ડ ન હોવાની, ચાની કીટલી પર ઉધાર વધી જવાથી ચા પીવાનું બંધ કરવું પડ્યું હોય તે, સાસરામાં સન્માન, બાઈકની લોનના હપ્તા ન ચૂકવવાને કારણે બેન્કના રીકવરી ગુંડાઓ હેરાન કરતા હોય જેવી અનેક સમસ્યાઓ ઉકલી જાય છે.

વર્ષો પહેલા કંપનીમાં અમારા મિત્ર અને સર્વેયર રામ સુમેર પટેલ કહેતા કે ‘પ્રોબ્લેમ નહિ હો તો પેદા કરો સાહબ, ફિર સોલ્વ કરો, તબ આપકી ગિનતી હોગી.’ કોર્પોરેટ જગતમાં પ્રોબ્લેમને તક તરીકે જ જોવામાં આવે છે. હોંશિયાર મેનેજર પ્રોબ્લેમ ન હોય તો એ ઉભો કરે છે. પછી બધાને પ્રોબ્લેમ વિષે જાણ કરે છે. પછી પ્રોબ્લેમ સોલ્વ કરી એની ક્રેડીટ લે છે. જોકે કોર્પોરેટ જગતમાં હોંશિયાર મેનેજર પાસે તમે પ્રોબ્લેમ લઈને જાવ તો એ તમને પ્રોબ્લેમના ચાર પોસીબલ સોલ્યુશન બતાવવાનું કહેશે. પછી એમાંથી એક સોલ્યુશન એ તમને સુચવશે. તેરા તુજ કો અર્પણ આનું નામ. કન્સલ્ટન્ટ પણ આ જ કામ કરે છે, તમારા રૂપિયા અને તમારો ડેટા વાપરીને એ તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી આપે છે.

મેનેજમેન્ટમાં એવું કહે છે કે અમુક પ્રોબ્લેમ સોલ્વ કરવા તમારે આઉટ ઓફ ધ બોક્સ વિચારવું પડે. અમેરિકાના હ્યુસ્ટન એરપોર્ટ પર પેસેન્જરને સામાન માટે ખુબ રાહ જોવી પડતી હોવાની ફરિયાદ હતી. પછી વધારે માણસો અને યાંત્રિક ગોઠવણથી પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પ્રયાસ થયો. તો પણ ઈચ્છિત પરિણામ ન આવ્યું ત્યારે એક અણધાર્યો ઉપાય કરવામાં આવ્યો. એ ઉપાય હતો બેગેજ કલેઈમ એરિયા સુધી પેસેન્જર પહોંચે તે પેસેજના રૂટમાં ફેરફાર કરી લાંબો કરી નાખવામાં આવ્યો, જેથી પેસેન્જરને બેલ્ટ સુધી પહોંચવામાં જ વાર થાય અને ત્યાં સુધી સામાન પહોંચી ગયો હોય!

જોકે તમારે કોઈ પ્રોબ્લેમ હોય તો તમારા પ્રોબ્લેમનું  તમારા સિવાય દરેક માણસ પાસે સોલ્યુશન હોય છે, જે કામ કરતું નથી. ક્યારેક નાક લૂછતાં લૂછતાં શરદીની સમસ્યાની ચર્ચા છેડજો. તમને જેટલા લોકો મળશે એ દરેક તમને આયુર્વેદિક, હોમિયોપેથીક, નેચરોપેથીક, એલોપેથીક અને બીજા કેટલાય ‘ક’ કારાંત ઉપાયો બતાવશે. એ બધા ઉપાયો વારાફરતી અજમાવી જોજો, નવરા હોવ તો, કારણ કે શરદીની દવા ન કરો તો સાત દિવસમાં અને દવા કરો તો અઠવાડિયામાં મટે છે. કંટાળીને તમે એ લોકોને પૂછશો કે, ‘તમે પોતે આ ઉપાય અજમાવ્યો હતો?’ તો એ કહેશે કે, ‘મને તો શરદી થતી જ નથી, પણ મારા સાઢુભાઈને બહુ તકલીફ રહે છે એટલે ખબર છે’. ટૂંકમાં કાયદાની ભાષામાં જેણે ‘હિયર-સે એવીડન્સ’ કહે છે એવો કૈંક અનુભવ એમની પાસે હોય છે. હિયર-સેમાં કોકને કોઈ બીજાને કહેતો સાંભળ્યો હોય કે ‘ફલાણા એ ઢીંકણાનું ખૂન કર્યું છે’, પણ એવું થતા પોતે જોયું ન હોય. 
સમસ્યા દરેકની જીંદગીમાં આવે છે, જેનો ઉપાય પોતે જાતે શોધવાનો હોય છે. જોકે બધા પોતાના પ્રોબ્લેમ્સ જાતે સોલ્વ નથી કરી શકતા, એટલે જ કન્સલ્ટ, સાઇકિયાટ્રીસ્ટ, કાઉન્સિલર્સ, વકીલો, જ્યોતિષી, ભૂવાઓ, અને વડીલોને કામ મળી રહે છે. એમાં ખોટુંય શું છે? આખરે અમે પણ કન્સલ્ટન્ટ છીએ, અને બીજાની સમસ્યાને કારણે કમાઈએ છીએ !

1 comment: