Sunday, October 04, 2015

અમે ગાડરિયા પ્રવાહમાં તરનારાં

મુંબઈ સમાચાર | ઉત્સવ સપ્લીમેન્ટ | લાતની લાત ને વાતની વાત | ૦૪-૧૦-૨૦૧૫ | અધીર અમદાવાદી |
 
હમણાં આંદોલનોની સીઝન ચાલે છે. અનામત આંદોલનમાં અમદાવાદનાં યુનિવર્સીટી ગ્રાઉન્ડ તરફ જબરજસ્ત ગાડરિયો પ્રવાહ થયો અને ત્યાં લાખો લોકો ભેગાં થયા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન માર્ક ઝુકરબર્ગે ફેસબુક પર પોતાનું પ્રોફાઈલ પિક્ચર તિરંગાનાં રંગોથી સજાવ્યું અને એ જોઈ દેશ-વિદેશનાં લાખો ભારતીયોએ ડીજીટલ ઇન્ડિયાનાં સમર્થનમાં એવું કર્યું જેને ઘણાં ગાડરિયો પ્રવાહ ગણાવી રહ્યા છે. ફેસબુક અને ટ્વીટર જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટસ જ આમ તો ગાડરિયા પ્રવાહનાં મોટાં ઉદાહરણ છે. ત્યાં તમારું ખાતું હોવું એ તમે ગાડરિયા પ્રવાહનાં એક ભાગ છો એવું ફલિત કરે છે. ઈલેકશનમાં ગાડરિયો પ્રવાહ જ કોઈ એક પાર્ટીની એકતરફી જીત માટે જવાબદાર હોય છે, કેમ બધાં એક જ પાર્ટીનું બટન દબાવે ત્યારે જ તો એ શક્ય બને ! બધાં મતદારો બૌદ્ધિક હોય તો કદાચ ‘નન ઓફ ધ અબોવ’ જ દબાવે ને? 

ગાડરિયો પ્રવાહ એટલે ટોળું. એકની પાછળ એકની પાછળ એક. ગાડરિયો પ્રવાહ બધે જ છે. ધારો કે સલમાન ખાનની બજરંગી ભાઈજાન ફિલ્મ સારી છે, તો આ ફિલ્મ જોવા લોકો લાઈન લગાવી દેશે. અમિતાભની ફિલ્મો લાગતી ત્યારે આગલા દિવસ રાતના લોકો લાઈનમાં ઊભા રહેતાં એવું અમે જોયું છે. શું આ બધાં ગાડરિયા ઘેટાં કહેવાય? અંબાજી દર્શન કરવા અને મક્કા હજ કરવા જનાર પણ ગાડરિયા જ તો તો પછી! ડીઝનીલેન્ડ અને સ્વીત્ઝરલૅન્ડ ફરવા જનારાં પણ ગાડરિયા. અમને તો ગુલઝારની રચનાનાં રસિકો અને રહમાનનાં સંગીતના ચાહકો પણ ગાડરિયા લાગે છે. આમ જુઓ તો તમે અને હું બેઉ ગાડરિયા !

ગાડરિયા પ્રવાહની ખાસિયત એ છે કે બધાં એક જ દિશામાં ગતિ કરતાં હોય છે. અમને લાગે છે પ્રવાહ બધા ગાડરિયા જ હોય છે. નદીનો પ્રવાહ જુઓ તો બધો એક દિશામાં ગતિ કરે છે. અમેરિકા જેવા ડીસીપ્લીન્ડ દેશમાં જાવો હજારો કાર્સ સાંજ પડે હાઈવે ઉપર નિર્ધારિત લેનમાં, જાણે ગાડરિયા પ્રવાહમાં જતી હોય એમ દીસે છે. શિયાળામાં ભારત આવતાં પક્ષીઓ પણ બધાં એક જ દિશામાં એકધારા ઉડતાં દેખાય છે.

ગાયોનાં ધણનાં ધણ સાંજ પડે ઘર ભણી પાછાં ફરે છે. સ્કુલેથી અને ઓફિસેથી છૂટી બધાં ઘર તરફ પ્રયાણ કરતાં હોય છે. ખરેખર તો જે ગાડરિયા પ્રવાહમાં નથી હોતાં તે સ્ટેટેસ્ટીક્સની ભાષામાં આઉટલાયર્સ કહેવાય છે. આઉટલાયરમાં લાયર આવી ગયું. જે ‘ઓફિસેથી નીસરી જવું પાંસરા ઘેર’ નથી પાળતાં, તેમણે તેમની જુઠ્ઠા બોલવાની ક્ષમતાનો વિકાસ કરવો પડે છે. જોકે ઘેર બેઠેલું લાઈ ડિટેકટર મશીન આવા આઉટલાયરનાં લાઈને પકડી પાડે છે. પછી જે થવાનું હોય તે થઈ ને રહે છે. ટૂંકમાં ગાડરિયા પ્રવાહમાં સામેલ ન થઈને રાત્રે મોડાં ઘેર આવવામાં મરીઝ સાહેબ કહી ગયા છે એવું ‘બધીએ મજાઓ હતી રાતે રાતે અને સંતાપ એનો સવારે સવારે’ થાય. 
કાર્ટુન : શ્રી મહેન્દ્ર શાહ

'માંહીં પડ્યા તે મહાસુખ માણે ...'​ સૂત્ર ગાડરિયા પ્રવાહમાં પણ લાગું પડે છે. આ મહાસુખ લેવા માટે તમારે ગાડરિયા પ્રવાહમાંનું એક ઘેટું બનીને વિચારવું પડે. ગાડરિયા પ્રવાહની બેસ્ટ વાત એ છે કે જે સૌનું થાય એ તમારું થાય છે. જેમ કે ડંડાબાજી થાય તો સૌને ભાગે પડતાં ડંડા મળે છે, અને તમારા ભાગે ઓછું આવે છે. બીજું, આજુબાજુ બધા તમારા જેવા જ હોય છે. સામાન્ય રીતે સમૂહ મોટો હોય એટલે કોઈ પંગો લેવાની હિંમત કરતું નથી. ગાડરિયા પ્રવાહમાં ચાલતી વખતે આંખ ખુલ્લી રાખવાની પણ જરૂર પડતી નથી. પ્રવાહની દિશા વિષે સમુહની સૌથી આગળ રહેનાર જેટલો અજ્ઞાન હોય છે એટલો જ મધ્યમાં અને પાછળ રહેનાર અજ્ઞાન હોય છે. એટલે સહદેવ જેવો જ્ઞાનનો બોજ વેંઢારવો પડતો નથી. અસલ ગાડરિયા પ્રવાહમાં ભરવાડની સીસોટીથી પ્રવાહની દિશાનું નિયમન થાય છે. અહીં જેની ચર્ચા કરી છે એ ગાડરિયા પ્રવાહની દિશા બદલવા કોઈ અફવા, કોઈ કૌતુક, કોઈ ફેશન, કોઈ વોટ્સેપ ફોરવર્ડ કે જવલ્લે જ કોઈ નેતા, પોલીસ અથવા અભિનેતા કારણરૂપ બને છે. આમાં મુખ્યત્વે ચાલે રાખવું એ સહુનું ધ્યેય હોય છે, ક્યાંય પહોંચવું એ અગત્યનું નથી હોતું.

ગાડરિયો પ્રવાહ ટોળાશાહી દર્શાવે છે. ટોળામાં બધાં એક સરખું વિચારે છે. જેમ કે બિરબલના હોજવાળી વાતમાં થયું હતું. બધાએ એવું વિચાર્યું કે બીજાં હોજમાં દૂધ નાખશે જ એટલે આપણે પાણી નાખીએ. છેવટે હોજ પરનું કપડું હટાવ્યું ત્યારે એમાં પાણી જ મળ્યું. ગાડરિયો પ્રવાહમાં ન માનનાર અકબર-બિરબલનાં હોજવાળા પ્રયોગમાં દૂધ નાખે એવું બનતું હશે. જોકે બિરબલનાં એ પ્રયોગમાં એવું કોઈ નહોતું નીકળ્યું, માટે જયારે પોતાનાં લોટાનું દૂધ સરકારને ચઢાવવાનું આવે ત્યારે લગભગ બધાં એક સરખું જ વિચારે છે. એટલે જ આપણે ત્યાં આટલી ટેકસચોરી થાય છે!

જે ગાડરિયા પ્રવાહમાં નથી માનતું તે પ્રવાહથી વિરુદ્ધ દિશામાં તરે છે. ગાડરિયા મહેનત કરી રૂપિયા કમાય તો અગાડરિયા શોર્ટકટથી કમાય છે. ગાડરિયાનાં ટોળેટોળા સત્સંગમાં જાય છે, અગાડરિયા એકાદ બે દોસ્તાર સાથે બારમાં જાય છે. ગાડરિયા સિંગાપોર ફરવા જાય તો અગાડરિયા કન્ટુકી ફરવા જાય. ટૂંકમાં અગાડરિયા બનવું હોય તો બધાં કરે એવું ન કરવું. અગાડરિયા ‘રોડ લેસ ટ્રાવેલ્ડ’ પર જાય છે. જોકે એવા રોડ પર ખાડાં કે ભૂવા હોય છે એટલે સામાન્ય લોકો નથી જતાં હોતાં. જે હોટલોમાં સામાન્ય લોકો રહેવા જતાં નથી ત્યાં બેડમાં બગ્સ હોય છે. જે રેસ્ટોરાંમાં લોકો ખાવા નથી જતાં ત્યાં વાસી ખાવાનું મળતું હોય છે. જે હવેલીઓ લોકો ખરીદતાં નથી ત્યાં ભૂતનો વાસ હોય છે. પણ અગાડરિયા તો એવા કે ડગલું ભર્યું કે ના હટવું ના હટવું. એ લોકો તો યાહોમ કરીને પડે, પછી ભલેને ટાંટિયા ભાંગે!

જેમને ગાડરિયા પ્રવાહ માટે ફરિયાદ હોય એમણે અમદાવાદ, સુરત, રાજકોટ જેવા વાહન ચલાવી જોવું જોઈએ. અહીં ગાડરિયો પ્રવાહ હરગીઝ નથી, કોઈ આગળ ચાલતાં વાહનની લેનમાં ચલાવવામાં માનતું નથી. રાજકોટમાં તો વટનો સવાલ થઈ જાય, ‘એમ બધાં હાલે એમ આપણે હલાય? નો હલાય.’ ઋગ્વેદમાં કહ્યું છે કે ‘आ नो भद्रा क्रतवो यन्तु विश्वतः’ અર્થાત બધી દિશામાંથી સારા વિચાર પ્રાપ્ત થાવ મને. ટ્રાફિકમાં જયારે ગાડરિયો પ્રવાહ ન થાય ત્યારે બધી દિશામાંથી આવતાં વાહનો તમને સામે મળે છે. જરા વિચારો કે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ઉપર તમે જતાં હોવ અને ચારે બાજુથી વાહનો તમારી સામે આવતાં હોય તો શું થાય? એનાં કરતાં તો અમને ગાડરિયો પ્રવાહ ગમે.

ગાડરિયો પ્રવાહ જ્યાં નથી હોતો, ત્યાં કેવી પરિસ્થિતિ હોય છે એ સંસ્કૃતમાં વર્ણવી છે કે:

बहवो यत्र नेतार: सर्वे पण्डितमानीन:
सर्वे महत्वंईच्छन्ति व्रुन्दं तत नश्यति ध्रुवमं ।

અર્થાત, જ્યાં બહુ બધા નેતા હોય, દરેક પોતાને વિદ્વાન પંડિત માનતાં હોય, અને સૌ કોઈ મહત્વ ઇચ્છતું હોય તો તેવા સમૂહનો નાશ થાય છે એ નક્કી છે. ટૂંકમાં જે લોકોને બધાં જે દિશામાં જાય તે દિશામાં જવાનું નથી પસંદ તે કાલિયાના અમિતાભની જેમ પોતે જ્યાં ઊભા હોય ત્યાંથી લાઈન શરુ થાય એનો આગ્રહ રાખે છે. પણ એમ દરેક જણ વિચારે તો એક-એક જણ ઊભા હોય એવી સો લાઈનો થાય (સાહિત્યકારોમાં આવી લાઈનો બહુ પ્રખ્યાત છે). અને ધારો કે તમે નવી લાઈન શરુ કરો અને બધા પાછળ ઊભા રહે તો પાછો એ ગાડરિયો પ્રવાહ જ થયો ને? ●

1 comment:

  1. અગાડળિયા પ્રવાહ તરફ બધા જવા માંડશે તો એ પણ ગાડળિયો પ્રવાહ થઈ જશે!

    ReplyDelete