Thursday, September 15, 2011

પેટ્રોલના ભાવ વધારા સામે ઝઝુમવાના અધીર અમદાવાદી બ્રાંડ ઉપાયો

| દિવ્ય  ભાસ્કર ડોટ કોમ | ૧૯-૦૫-૨૦૧૧ | અધીર અમદાવાદી | 

ચુંટણીઓ પતી ગઈ છે અને પરિણામો આવી ગયા છે, હવે પબ્લિક આપણું શું તોડી લેશે ? એવું વિચારીને કદાચ સરકારે પેટ્રોલના ભાવ ફરી વધાર્યા છે. નજીકના ભવિષ્યમાં એવો સમય આવશે કે જ્યારે લોકો પેટ્રોલનો ઉપયોગ પરફ્યુમ તરીકે કરશે, પેલી પ્રખ્યાત ડીઝલ બ્રાન્ડ છે ને પરફ્યુમની એમ જ પેટ્રોલ બ્રાન્ડનું પરફ્યુમ માર્કેટમાં આવશે, જે ખરેખર પેટ્રોલ હશે. દેશનું સૌથી મોટું કોર્પોરેટ ગ્રુપ પણ પટ્રોલ પંપ બંધ કરી, આ પેટ્રોલ પરફ્યુમની શીશીઓ વેચતું હશે ! એટલે જ તો ૧૦૦ મી.લી.ની શીશી સાત હજારની મળતી હશે. ને પછી પૈસાદાર લોકો લોકો કાનમાં પેટ્રોલમાં દુબાડેલા રૂનાં પુમડા ખોસશે, કેમ કે એ સ્ટેટ્સ સિમ્બોલ હશે.

પણ હાલ પચાસનું પુરાવતા દોસ્ત, તું મુઝાઈશ મા. આ રહ્યા અધીર અમદાવાદીના નુસખા, પેટ્રોલના વધતા ભાવો સામે ઝઝુમવાના.  

  • ઓફિસથી ઘરે આવતાં રોજ ઓછામાં ઓછુ એક કિલોમીટર બાઈક ખેંચીને ચાલો. સુગર પણ કંટ્રોલમાં રહેશે. કેમ એવું કરતાં શરમ આવે ? અરે કોઈ ઓળખીતું રસ્તામાં સામે મળી જાય તો એને ભોળા થઈને પૂછવાનું બોસ, અહીં નજીકમાં પેટ્રોલ પંપ ક્યાં હશે ?  
  • નવી નોકરી માટે પગારનું નેગોશિયેશન કરતા હોવ તો કન્વેયન્સ પેટ્રોલના ભાવ કરતાં પચ્ચીસ ગણું માંગી લેવું. એ પણ પાછુ વેરીએબલ. 
  • અઠવાડિયામાં બે વાર ગર્લફ્રેન્ડની સ્કુટી પર ફરવાનું રાખો. એને કહેવાનું: ડીયર, ઈટ્સ સો એક્સાઈટીંગ ટુ સીટ ઓન યોર સ્કુટી ! તું કરિના હોય અને હું આમિર હોઉં, એવું લાગે છે. તારા સમ ! <સમ તો એના જ ખાવાના ! > 
  • બાઈક છોડો, લીફ્ટ માંગો. ટાઈમ પાસ પણ થશે અને હાથના મસલ પણ મજબુત થશે ! <છોકરીઓને મસલ વાળા છોકરા ગમે છે, એવું સલમાન, હ્રીતિકની સફળતા જોઈને લાગે છે> 
  • પોતાના ફ્લેટમાં જ છોકરી શોધો. રોજ એની પાછળ દુર સુધી લાંબા નહિ થવું પડે. પેટ્રોલ બચશે. અને છોકરી માટે ફ્લેટમાં પિયરીયું અને ફ્લેટમાં સાસરિયું થશે એ નફામાં !  
  • ફ્લેટમાં છોકરી ના મળે તો પેટ્રોલપંપ વાળાની છોકરી શોધો.
  • કે પછી દહેજમાં પેટ્રોલનો ક્વોટા પહેલેથી નક્કી કરો. સાળો દર અઠવાડિયે બે કારબા પેટ્રોલના મૂકી જાય એવું ગોઠવવાનું !
  • ઢાળવાળા રસ્તા પર સ્કુટર બંધ કરી ચલાવો, અરે શહેરમાં બહુ ટેકરા છે જોધપુર ટેકરા, ગુલબાઈ ટેકરા, શ્રેયસ ટેકરા, ગોરધનવાડી ટેકરા ! ઉપર ચઢી જાવ અને પછી નીચે ઉતરતા મશીન બંધ !
  • અને છેવટે સાઈકલ તો છે જ, અને એમાં ડબલ સવારી જવાનું ગર્લ ફ્રેન્ડ સાથે. અફકોર્સ જો ગર્લ ફ્રેન્ડ સાઉથ ઇન્ડિયન હિરોઈન જેવી મજબુત ન હોય તો ! પછી પેલું જુનું હિન્દી ફિલ્મી ગીત ગાવા નું.... સોને કી સાઈકલ, ચાંદી કી સીટ, આઓ ચાલે ડાર્લિંગ ચાલે ડબલ સીટ’. પરસેવો લૂછતાં લૂછતાં પછી ડાર્લિંગને કહેવાનું ‘સો, રોમેન્ટિક નહિ ?’
http://www.divyabhaskar.co.in/article/GUJ-adhir-amdavadis-solution-for-fight-against-petrol-price-hike-2114676.html

3 comments:

  1. સરસ ઉપાયો છે, અધીરભાઈ. પણ યાર, પરિણીતો માટેનાં ઓપ્શન જરા વધારે આપો તો સારું. પેટ્રોલના ભાવવધારાની ચિંતા એમને જ વધારે હોય છે. (મારા સહીત)

    ReplyDelete
  2. બિરેનભાઈ પરણિતો પ્રોબ્લેમથી ટેવાયેલા ન હોય ???? :)

    ReplyDelete